રિપોર્ટ@ગુજરાત: સવારના 6થી 4 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ, 17 જિલ્લામાં રેડ એલર્ટ

ભરૂચના નેત્રંગમાં 11 ઈંચ વરસાદ ખબાક્યો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. ‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી 4 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં સૌથી વધુ ભરૂચના નેત્રંગમાં 11 ઈંચ વરસાદ ખબાક્યો છે, જ્યારે અન્ય 22 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. અમદાવાદમાં પણ રેડ એલર્ટ વચ્ચે બપોરબાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે.

નાઉકાસ્ટ મુજબ, 4 થી 7 વાગ્યા સુધી 17 જિલ્લા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ તેમજ જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 31 જુલાઈએ 14 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અને 15 જિલ્લામાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાની તમામ સ્કૂલ-કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે.