રિપોર્ટ@ગુજરાત: 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ થયો, 10 આરોપી ઝડપાયા, જાણો સમગ્ર મામલો

આ અભિયાન દરમિયાન કુલ 132 સાયબર ક્રાઈમના કેસોનો ભેદ ઉકેલાયો છે 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખૂબજ વધી ગયા છે.53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર લગામ કસવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ‘ઓપરેશન મ્યુલ 2.0’ હેઠળ વધુ એક સફળતા મેળવી છે. આ અભિયાન દરમિયાન કુલ 132 સાયબર ક્રાઈમના કેસોનો ભેદ ઉકેલાયો છે અને આણંદમાં સક્રિય એક સંઘટિત ગેંગના 10 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગનું નેટવર્ક ગુજરાતના વિવિધ શહેરો સહિત અમદાવાદ સુધી ફેલાયેલું હતું. આ તમામ આરોપી પૈકી એક સાહિલમીંયા શબીરમીંયા મલેકે બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓમાં 3 મુખ્ય ખાતાધારકો હતા, જેમના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, જ્યારે 3 હેન્ડલર્સ આ ખાતાઓનું સંચાલન કરતા હતાં. બાકીના આરોપીઓ USDT  મારફતે પૈસાની હેરાફેરી અને ટ્રાન્સફર કરવાની કામગીરી સંભાળતા હતા.

તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ ગેંગ દ્વારા આ ખાતાઓમાં કુલ 53.55 કરોડ રૂપિયાની રકમ સાયબર ગુનાઓ મારફતે જમા કરાવવામાં આવી હતી. આ રકમ અલગ-અલગ રાજ્યોના ભોગ બનનાર લોકો પાસેથી ઠગાઈ દ્વારા મેળવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ગેંગ અત્યંત ટેક્નિકલ રીતે કામ કરતી હતી, જેમાં ડિજિટલ પેમેન્ટ, ફેક એકાઉન્ટ્સ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને પૈસાને ટ્રેસ કરવું મુશ્કેલ બનાવવામાં આવતું હતું.

આ કેસમાં વધુ એક ગંભીર ખુલાસો એ થયો છે કે ઝડપાયેલા સાહિલમીંયા શબીરમીંયા મલેક નામના આરોપીએ અગાઉ મહારાષ્ટ્રમાં થયેલા હાઈપ્રોફાઈલ બાબા સિદ્દિકી મર્ડર કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ‘મ્યુઅલ એકાઉન્ટ’ પૂરું પાડ્યું હતું. આ કડી બહાર આવતા પોલીસે હવે આ એંગલ પરથી પણ તપાસ તેજ કરી છે, જેથી અન્ય સંભવિત કનેક્શન્સ પણ બહાર આવી શકે છે.

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ઓપરેશન મ્યુલ 2.0’ અંતર્ગત રાજ્યભરમાં સક્રિય સાયબર ગેંગ્સ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ગેંગો સામાન્ય લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી હોવાથી, લોકો પણ સાવચેત રહે અને અજાણી લિંક્સ, કોલ્સ કે મેસેજથી દૂર રહે.

પોલીસ દ્વારા હાલ ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો તથા નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ઓપરેશન રાજ્યમાં સાયબર ક્રાઈમ વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

12 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 9.30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં ખેરવાડી સિગ્નલ પર હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી તેમના પુત્ર ઝીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમના પર છ ગોળીઓ ચલાવવામાં આવી.

સિદ્દીકીને બે ગોળી પેટમાં અને એક છાતીમાં વાગી. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશના બહરાઇચના રહેવાસી હરીશ કુમાર, કૈથલના ગુરમેલ બલજીત સિંહ, બહરાઇચના ધર્મરાજ કશ્યપ અને પુણેના પ્રવીણ લોનકરની ધરપકડ કરી હતી.લોરેન્સ ગેંગે હત્યાની જવાબદારી લીધી. બાબા સિદ્દીકી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ સામેલ હતા. જોકે, તેઓ રાજકારણ અને વ્યવસાય કરતાં બોલિવૂડના સંબંધો માટે વધુ પ્રખ્યાત હતા.