રિપોર્ટ@ગુજરાત: ગુજરાત રાજ્યમાં સિઝનનો એવરેજ 22.62 ટકા વરસાદ, જાણો વધુ વિગતે
સિઝનનો એવરેજ 22.62 ટકા વરસાદ
Updated: Jul 6, 2024, 14:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. તેમજ આજે સવારે જાફરાબાદના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં સોથી વધુ ધરમપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગ, સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે.