રિપોર્ટ@ગુજરાત: સિંહોના મોત બાદ વનવિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ મોડમાં, જાણો વધુ વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે.
PCCF ભવાની પતી મોડી રાતથી વહેલી સવાર સુધી અને દિવસભર સતત ફિલ્ડમાં દોડધામ કરી રહ્યા છે. રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈ વીડી વિસ્તાર સુધી તેમણે રાત્રિ અને વહેલી સવારે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેઓ સિંહબાળ સાથેના ગ્રુપનું જાતે નિરીક્ષણ કરીને તેમની હેલ્થ અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે.
ગીર પૂર્વમાં થયેલા સિંહોના મોત બાદ પ્રથમવખત PCCF પોતે મેદાનમાં ઉતરતા સમગ્ર વિભાગમાં ગંભીરતા વધી છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.
વન વિભાગ હાલ સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને કોઈ વાયરસજન્ય ચેપ અથવા સંક્રમણના સંકેતો મળે તો તરત સેમ્પલિંગ અને સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
PCCF ભવાની પતીએ ધારી ગીર પૂર્વમાં આવેલ દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, ખાંભાના ભાણિયા સહિતના વિસ્તારોમાં સિંહબાળની વધુ ચકાસણી કરી હતી. તેમણે ધારીના આંબરડી સફારી પાર્કની હોસ્પિટલમાં પણ પહોંચીને તપાસ કરી હતી. આ ઉપરાંત, રાજુલાના ભેરાઈ-પીપાવાવ વિસ્તારમાં સિંહના ગ્રુપના તમામ વિસ્તારોમાં જાતે ચકાસણી કરવામાં આવી હતી.

