રિપોર્ટ@ગુજરાત: રક્ષાબંધન પર્વ પહેલા મુસાફરોને રાજ્ય સરકારે નવી 101 ST બસોની ભેટ આપી

91 પૈકી 65 નવા રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રક્ષાબંધન પર્વ પહેલા મુસાફરોને રાજ્ય સરકારે નવી ST બસોની ભેટ આપી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી.બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપી હતી. આ નવી બસમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. તહેવારોને લઈ એસટીના વિશેષ સંચાલનમાં આ નવી બસનો પણ ઉપયોગ કરવામાં આવશે.

101 નવી બસના લોકાર્પણ પૈકી 91 બસના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે 91 પૈકી 65 નવા રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી આજે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ સહિતના તીર્થધામોના રૂટ પર વિશેષ બસ દોડાશે. આ ઉપરાંત રક્ષાબંધનને ધ્યાનમાં રાખી નવી બસ 65 નવા રૂટ પર મૂકવામાં આવી છે. મુસાફરો માટે ઓનલાઈન તેમજ ડેપો પરથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વર્ષ 2025માં રક્ષાબંધન દરમિયાન ST નિગમ દ્વારા 6,402 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેનાથી આશરે 3.33 લાખ મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરી હતી. જો કે આ વર્ષે મુસાફરોની સંખ્યા અને ઘસારાને ધ્યાનમાં રાખી વધારાની ટ્રીપનું આયોજન વધારવામાં આવ્યું છે.

આજે બસોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને ગાંધીનગરના મેયર મીરા પટેલે બસને કંકુના ચાંદલા કર્યા હતા. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ ડ્રાઈવરને બસની ચાવી અર્પણ કરી હતી. તેમણે નવી બસમાં બેસી નિરીક્ષણ પણ કર્યું હતું. એ સાથે મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાને રાખડી બાંધી હતી. હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરોને ભેટ પણ આપી હતી. ST નિગમના કર્મચારીઓ તહેવાર દરમિયાન પણ 24 કલાક મુસાફરોની સેવા કરતા રહે છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, એસટી બસ એ સામાન્ય નાગરિકોનું પરિવહન માધ્યમ છે. નવી 101 બસમાં સ્લીપર, નોર્મલ અને મિની બસોનો સમાવેશ થાય છે. મુસાફરોને વધુ સારી સુવિધા અને સ્વચ્છતા મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર મીરા પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ST નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.