રિપોર્ટ@ગુજરાત: સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ નજીક આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
કિલોસ્કર બ્રધર્સ કંપનીની પાસે આવેલા આ ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધૂમાડાના આકાશચૂંબી ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.
આગની જાણ થતા જ સ્થાનિકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં જ્વલનશીલ અને સ્ક્રેપ સામગ્રીનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને કારણે ઓલવવાની કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ગોડાઉનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.

