રિપોર્ટ@ગુજરાત: 24 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં 2થી 3 દિવસના ઠંડીમાંથી વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં પાંચથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જેથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતા ફરી એક વખત લઘુતમ તાપમાન ગગડ્યું છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, નલિયામાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટમાં પણ 24 કલાકમાં છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટીને ગતરાત્રિએ 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલી અને પોરબંદરમાં 11 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનાં અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.1 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.