રિપોર્ટ@ગુજરાત: મહીસાગરના સાત કુંડા વોટરફોલનું મનમોહક સૌંદર્ય, વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઊઠ્યો વોટરફોલ

પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઊઠ્યો વોટરફોલ.અષાઢ મહિનાના આગમન સાથે મહીસાગર જિલ્લામાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે સમગ્ર ડુંગરાળ વિસ્તારને લીલીછમ બનાવી દીધો છે. કુદરત જાણે પોતાની પીંછીથી હરિયાળીની અદભુત તસ્વીર દોરી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે, જે પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના ગોધર તાલુકામાં આવેલો સાત કુંડા વોટરફોલ ચોમાસામાં પોતાની સંપૂર્ણ ભવ્યતામાં ખીલી ઊઠ્યો છે. ઊંચા પહાડોમાંથી ધસમસતું પાણી એક પછી એક સાત કુદરતી કુંડમાં વહેતું નીચે ઉતરે છે. દૂધ જેવી ધવલ જળધારા, લીલાછમ ડુંગરો અને વાદળોની આછેરી ઓટ સમગ્ર સ્થળને સ્વર્ગ સમાન સૌંદર્ય બક્ષી રહ્યા છે.

ડ્રોન કેમેરાથી કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં સાત કુંડોની કુદરતી રચના સ્પષ્ટપણે જોવા મળે છે. પહાડોની ગોદમાંથી વહેતું નિર્મળ પાણી એક પછી એક કુંડમાં સમાતું જાય છે અને ત્યારબાદ ખળખળ વહેતું નીચે ઉતરે છે. આ સમગ્ર નજારો જાણે કુદરતે પોતાના હાથે દોરેલું જીવંત ચિત્ર હોય તેવી અનુભૂતિ કરાવે છે.

વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા વિકસાવવામાં આવેલું સાત કુંડા ઇકો-ટુરિઝમ અને ટ્રેકિંગ સ્થળ ચોમાસામાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે. ઠંડો પવન, ધોધનો ગર્જનાભર્યો અવાજ અને ચારે તરફ પથરાયેલી હરિયાળી મુલાકાતીઓને કુદરતની નજીક હોવાનો અનોખો અનુભવ કરાવે છે. વરસાદી ઋતુ દરમિયાન અહીં મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે.

ચોમાસાની રમણીયતા વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને પોલીસ સ્ટાફે પણ સાત કુંડા વોટરફોલની મુલાકાત લીધી હતી. તેમણે કુદરતના આ અદ્ભુત સૌંદર્યને નિહાળી તેની મનોહરતા માણી હતી. હાલ સાત કુંડા વોટરફોલના આહલાદક ડ્રોન વીડિયો સોશિયલ મીડિયા પર પણ લોકોનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.