રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે

લોકસભાના વિકાસ કાર્યો અને વિવિધ મુદ્દે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠકમાં પહોંચ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. આજે 16 મેના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના એસજી હાઇવે નજીક આવેલા દક્ષિણ-પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યો અને વિવિધ મુદ્દે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠકમાં પહોંચ્યા છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે યોજવામાં આવેલી બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા છે. ગાંધીનગર લોકસભા અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદમાં ગ્રીન કવર વધારવાને લઈને વિવિધ મુદ્દાઓ ઉપર પ્રિન્સિપલ કમિશનરોથી લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, કલેકટર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. સવારે 11:30 વાગ્યાથી સૌપ્રથમ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત બેઠક શરૂ થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટેની અપીલ કરી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે. ત્રણ ગાડીઓના કાફલા સાથે કેન્દ્રીય મંત્રી અમદાવાદના એસજી હાઇવે પર આવેલા દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ માત્ર એક જ ગાડી સાથે આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી બપોર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગર લોકસભા અંગે બેઠક કરવાના છે જેમાં SG હાઇવેના ડેવલોપમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા અંતર્ગત માણસા નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં તળાવો, હોસ્પિટલો અને અન્ય કાર્યો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

તાજેતરમાં આસામ, પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે. જેમાં 16મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગેની બેઠકો પણ યોજાશે.ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત અનુપમ પહેલ “રમશે બાળક – ખીલશે બાળક” અભિયાન અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જો અને સહ-ઇન્ચાર્જો તેમજ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભા વિસ્તારોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરશે.

17 મેના રોજ અમિત શાહના હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ. દ્વારા નિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉપરાંત ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.