રિપોર્ટ@ગુજરાત: ઉત્તરાયણે 5ની જિંદગીની દોર કાપી, બાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળા કપાયા, જાણો વધુ વિગતે
વડોદરામાં દોરી-પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં તો બીજાનું કરંટ લાગતા મોત થયું
Updated: Jan 15, 2026, 09:11 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ જિંદગી ગુમાવી છે.
જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પાસે એક યુવકનું ગળું કાપતાં લોહીલુહાણ થયો હતો અને તેનું મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતાં તેની પણ મોત થયું હતું. વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોના મોત થયા છે.

