રિપોર્ટ@ગુજરાત: આવતીકાલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિ પર શું દાન કરવાથી મળશે મહાપુણ્ય? પર્વ સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણીએ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે. લોકો સવારથી ધાબા પર ચઢીને પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. સૂર્યનો મકર રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે એટલે તેને મકરસંક્રાંતિ પણ કહેવાય છે. આ દિવસથી સર્વ પ્રકારનાં શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
મકરસંક્રાંતિએ દાનનો મહિમા શાસ્ત્રાનુસાર उतरे त्वयने विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा रोगे प्रमुचयाते અર્થાત્, ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરવું. આપણી સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો નિરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. આયુર્વેદની દૃષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને ગરમાવો મળે તે આશય પણ આ પરંપરા પાછળ રહેલ છે.
મકરસંક્રાંતિ સાથે જોડાયેલી માન્યતાઓ
આ સંક્રાંતિ પર ઠંડીની મોસમ હોય છે, તેથી આ દિવસે ગરમાગરમ સ્વાદ સાથે તલ-ગોળના લાડુ ખાવાની પરંપરા છે અને જરૂરિયાતમંદ લોકોને તલ-ગોળ મળી રહે તે માટે સંક્રાંતિ પર દાન કરવાની પરંપરા છે.
આ સંક્રાંતિ પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પછી નદીના કિનારે દાન કરવાની પરંપરા છે.
કેવી રીતે કરશો સૂર્યપૂજા?
સૂર્યોદય થાય તે પહેલાં ઊઠીને પાણીમાં તલ તથા ગંગાજળ મિક્સ કરીને નહાઓ.
લાલ કપડાં પહેરો અને લાલ ચંદનનું તિલક કરીને ઊગતા સૂર્યને પ્રણામ કરો.
તાંબાના લોટામાં લાલ ફૂલ, લાલ ચંદન અને તલ નાખીને ઉદય થતા સૂર્યને અર્ધ્ય આપો.
અર્ધ્ય આપતી વખતે ‘ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો.
અર્ધ્ય આપતી વખતે પાણી કોઈ વાસણમાં રેડો અને પછી આકડા કે અન્ય કોઈ છોડને ચડાવી દો.
ભગવાન સૂર્યને તલ અને ગોળની બનેલી મીઠાઈઓનો ભોગ ચડાવો.
પ્રસાદ તરીકે મીઠાઈઓ જાતે આરોગો અને સૌને ખવડાવો.
જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, તલ, ઘી, તાંબાનાં વાસણો અને ઘઉંનું દાન કરો.

