રિપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યની 54 હજાર સ્કૂલો ફરી શરૂ, 21 દિવસનું દિવાળી વેકેશ પૂર્ણ થયું

રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું.
 
રિપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યની 54 હજાર સ્કૂલો ફરી શરૂ, 21 દિવસનું દિવાળી વેકેશ પૂર્ણ થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજથી રાજ્યની 54 હજાર સ્કૂલો ફરી શરૂ થઈ ગઈ છે. રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે, જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. આજથી 54 હજાર કરતા વધુ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જવાનો છે. બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલવાનું છે.

અમદાવાદ શહેરની 1700 જેટલી સ્કૂલો 7 લાખ જેટલા વિદ્યાર્થીઓથી ફરી ધમધમતી થઈ ગઈ છે. 21 દિવસના વેકેશન બાદ પહેલા દિવસે સ્કૂલોમાં આવીને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ આજથી શરૂ કરી દીધી છે.

દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ રાજકોટમાં 4 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટની મોદી સ્કૂલ દ્વારા આ વર્ષે શિક્ષા સે સંસ્કાર તક પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને દિવાળીમાં સેવાકીય કામગીરી કરવાની સાથે વિદ્યાર્થીઓ ગામડામાં પોતાના વતનમાં પરિવાર સાથે સમય વ્યતીત કરે તે પ્રકારનો અભિગમ અપનાવવાનું સૂચન કરાયું હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ લોકોને દિવડા, મીઠાઈ, ધાબળા વિતરણ કર્યા હતા તો વિદ્યાર્થીઓએ ગામડામાં પોતાના વતનમાં દિવાળી વેકેશન માણ્યું હતું.

રાજકોટની વી. જે. મોદી સ્કૂલના પ્રિન્સિપાલ ડોલી વાઝાએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા ‘શિક્ષા સે સંસ્કાર તક’ પ્રોજેક્ટ અંતર્ગત નાના બાળકોએ સ્કૂલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી પ્રાર્થના કરી. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ નવી વસ્તુઓ લઈને ગરીબ પરિવારોને વિતરણ કરી. આ ઉપરાંત 9થી 12ના વિદ્યાર્થીઓએ રૂ.22000થી વધુ ફંડ એકત્ર કરી 60થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લીધી હતી, જે સમયે તેમની આંખોમાં પણ આંસુ હતા. ત્યાં જઈને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ગમ્યું.