રિપોર્ટ@ગુજરાત: આવતીકાલે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરાશે
આજે કૃષિમંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા
Oct 28, 2025, 18:49 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરાશે. ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કારતક મહિનામાં વરસી રહેલી કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી છે. રાજ્યમાં 1થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે પણ પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે.
આજે કૃષિમંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને માવઠાના કારણે પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો. સરકારે ખેડૂતોને જરુરી મદદની હૈયાધારણા આપી છે, ત્યારે હવે આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું પાકધિરાણ માફ કરવાની માગ કરી છે.

