રિપોર્ટ@ગુજરાત: અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો અંદરનો નજારો, CCTV, ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપશે
 
રિપોર્ટ@ગુજરાત: અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો અંદરનો નજારો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી હતી. સુરત શહેરના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે.આજે  રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ દરમિયાન રેલવે મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.અમૃત ભારત ટ્રેન, જેનો પ્રારંભ સૌપ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો, તે સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સોશિયલ મીડિયા અને જનપ્રતિનિધિઓ દ્વારા આ માંગણી સતત ઉઠતી રહી હતી. હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.

બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસનું સૌથી મોટું આકર્ષણ એ છે કે, તે પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે, જેનાથી આ રાજ્યો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે. આ ટ્રેનની શરૂઆત ફક્ત મુસાફરીની સુવિધા જ નહીં પરંતુ, આર્થિક અને સામાજિક વિકાસનો નવો અધ્યાય પણ ખોલશે. તે સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને બંને ક્ષેત્રોના વિકાસમાં મદદ કરશે. આ ટ્રેન શરૂ થતાં પ્રવાસીઓ માટે તહેવારોની ખુશી બમણી થઈ. 

અમૃત ભારત એક્સપ્રેસ 22 એલએચબી કોચ અને ટ્રેનની બંને બાજુએ એન્જિન ધરાવતી ટ્રેન છે. જેથી, આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ 130થી 160 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવ્યું છે એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે. એર બ્રેકમાં ટ્રેન રોકાવામાં જે સમય લાગે છે, તે આ ઈપી બ્રેકમાં નથી લાગતો. તમામ કોચમાં એકસાથે બ્રેક લાગતા ઓછા અંતરમાં જ ટ્રેન રોકાઈ જાય છે અને ઝટકો લાગતો નથી.

અમૃત ભારત એક્સપ્રેસ સામાન્ય માણસને આધુનિક, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના ભારતીય રેલ્વેના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ ટ્રેન ટેકનોલોજીની રીતે અદ્યતન છે અને લાંબા અંતરના મુસાફરોને સુધારેલી સુવિધાઓ, વધેલી સલામતી અને સસ્તા ભાડા સાથે આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. બંને છેડે પુશ-પુલ ગોઠવણીમાં માઉન્ટ થયેલ એન્જિન સાથે, આ ટ્રેન હાઇ સ્પીડ, ઓછો મુસાફરી સમય અને સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે.