રિપોર્ટ@ગુજરાત: ATS અને NCBએ ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
 
રિપોર્ટ@ગુજરાત: ATS અને NCBએ ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સ મળી આવવાના બનાવો સામે આવતા હોય છે.  ગુજરાત ATS અને NCB (દિલ્હી)એ ભોપાલની એક ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાનું મટીરિયલ ઝડપી પાડ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી છે.

હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ.

પ્રાથમિક અહેવાલ અનુસાર, આ MD ડ્રગ્સનાં જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં ATS અને NCBની ટીમે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. સાથે જ ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ બનાવવા માટેની તમામ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ છે.

બે મહિના પહેલાં ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા મોહંમદ યુનુસ તથા મોહંમદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે, જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ફ્લેટમાં મેફેડ્રોન બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હતી. 11 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન તથા બેરલોમાં ભરેલા 782 કિ.ગ્રા. લિક્વિડ મેફેડ્રોન (MD) મળ્યું હતું.

ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1800 કરોડની થતી હતી. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટ્સ મળ્યાં હતાં, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે મોહંમદ યુનુસ ઉર્ફે એજાઝ સ.ઓ. મોહંમદ તાહીર શેખ અને મોહંમદ આદિલ સ.ઓ. મોહંમદ તાહીર શેખની ધરપકડ કરી હતી.

મેફેડ્રોનનું ટેક્નિકલ નામ 4-મેથાઇલમેથકેથિનોન છે. ઘણા લોકો આ દવાને મ્યાઉં-મ્યાઉં કહે છે, તો કેટલાક મ્યો-મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ એનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો છે.

મેફેડ્રોન માત્ર પાઉડર સ્વરૂપમાં મળે છે, જોકે એના વ્યસનીઓ એને સતર્કતા અને ઉત્સાહ વધારવા માટે માને છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે, જેમાં હતાશા, ઉબકા, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તેના લાંબા સમય સુધી ઉપયોગથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે અને મતિભ્રમ અને ગુસ્સો આવે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે અને એની પ્રતિકૂળ મનોવૈજ્ઞાનિક અસરો થાય છે.