રિપોર્ટ@ગુજરાત: જાણો કયા મંત્રીને કયા નંબરનું નિવાસસ્થાન મળ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 16 મંત્રીમાંથી 10ને પડતા મૂક્યા હતા અને 6ને રિપીટ કરાયા હતા, જ્યારે નવા 19 મંત્રી બનાવવામાં આવ્યા હતા. એમાંથી મોટા ભાગના મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. આ મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગની યાદી મુજબ કુલ 25 મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નં. 43 ફાળવાયો છે, જે સંકુલના અંતિમ ખૂણામાં આવેલો છે. બીજી તરફ રીવાબા જાડેજાને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેના બંગલો નં. 12Aમાં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે, જોકે કાંતિ અમૃતિયાને પુત્રોના ભ્રષ્ટાચારને કારણે વિવાદમાં સપડાયેલા બચુ ખાબડને જે બંગલો ફાળવ્યો હતો એ જ 33 નંબરનો બંગલો ફાળવ્યો છે.
ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે, જેમાં કુલ 43 જેટલા બંગલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પણ 13 નંબરનો કોઈ બંગલો નથી, કેમ કે એ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.
જોકે નવા મંત્રીઓને બંગલા ફાળવાઈ ગયા છે, પરંતુ અનેક બંગલામાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. કેટલાક મંત્રીઓ હજુ ત્યાં રહેવા આવ્યા નથી. બીજી તરફ, મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમારે હજુ સુધી બંગલો ખાલી કર્યા નથી, જેના કારણે ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.
ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી.
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર 2 મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમને મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યમંત્રીપદનો તાજ છબીલદાસના શિરે આવી ગયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીને ફાળવવામાં આવતો એક નંબરનો બંગલો અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડી બંગલા નંબર 1ની બાજુ આવેલા બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું અને ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી હતી, જોકે મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયાં નહીં તોપણ તેમણે એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં રહેતા હતા, આમ છતાં તેમને પણ સત્તા છોડવી પડી હતી.
કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવેલો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યપ્રધાન બન્યા એ જાણીતી વાત છે. બળવો કરી સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળમાં દિલીપ પરીખને આપ્યો હતો. સપને પણ મુખ્યમંત્રી બનવાનો વિચાર ન કર્યો હોય એવા દિલીપ પરીખ પણ થોડા મહિનાઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ 5 BHK(ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિત) ફ્લેટનું 23 ઓક્ટોબરે ગૃહ મંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલનું કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ થયું છે અને પ્રતિ આવાસ સુપર બિલ્ટઅપ 238.45 ચો.મી.માં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા છે. જ્યારે પ્રતિ યુનિટ 170.32 ચો.મી કાર્પેટ એરિયા છે. હાલ તેની અંતિમ કામગીરી ચાલી રહી છે અને આગામી 10 દિવસમાં ધારાસભ્યોને ફ્લેટ ફાળવાશે. હાલમાં ફાળવણીની રીત અને ક્રમ નક્કી કરાયો નથી. આ અંગે વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિ નિર્ણય લેશે.
ફ્લેટનું ભાડું માત્ર 37 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે એનું મેન્ટેનન્સ અને લાઇટબિલનો ખર્ચ પણ સરકાર જ ચૂકવશે. સચિવાલયના વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા છે કે જ્યારે ધારાસભ્યોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા ભાડું અને અન્ય ખર્ચ પણ ઉઠાવવો કેટલો યોગ્ય ગણાય, એ મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.
જ્યારે ધારાસભ્યોના નિવાસ સંકુલમાં વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જિમનેશિયમ, કેન્ટીન, ઇન્ડોર રમતનાં સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટદીઠ 2 એલોટેડ પાર્કિંગ જેમાંથી 1 બેઝમેન્ટ અને 1 ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યા છે. તેમજ કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ RCCનાં બનાવવામાં આવ્યા છે.

