રિપોર્ટ@ગુજરાત: ગણપતિ પંડાલ પર પથ્થર ફેંકાયા ત્યાંથી 300 મીટર સુધી એકેય બાંધકામ સાઇટ નથી, 30 મિનિટની અંદર પથ્થર ક્યાંથી આવ્યા?
600થી વધુ ઈંટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર આવ્યાં ક્યાંથી?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગણેશજી પર પથ્થરમારોની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી. આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં જ ચોકીના નજીકના બિલ્ડિંગની આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો. જો કે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી, તો લગભગ 600થી વધુ ઈંટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર આવ્યાં ક્યાંથી?
આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પાસેથી મળી આવેલાં પથ્થર અને ઈંટોની વીડિયોગ્રાફી કરી છે. આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે, આ હિંસાની ઘટના સુનોયોજિત કાવતરું હોય શકે છે.વરિયાવી બજારમાં ઉભો કરવામાં આવેલો ગણેશ પંડાલમાં 6 કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે, એ કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઇ ભારે વિરોધ શરૂ થઈ ગયો. રાજકારણીઓ પણ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો.
અચાનક જ શરૂ થયેલો આ પથ્થરમારો પોલીસ પણ સમજી શકી નહીં કે 30 મિનિટની અંદર આટલા પથ્થર ક્યાંથી આવ્યા? કારણ કે, ચોકીના 300 મીટરની રેન્જમાં ક્યાંક પણ કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી નથી આ અંગે ખુદ પોતે આરોપીઓના રિમાન્ડ ગ્રાઉન્ડમાં પોલીસે જાણકારી આપી છે. માત્ર એટલું જ નહીં પથ્થરો અને ઈંટના ટુકડાઓ આવ્યા તો અગાસી અને બાલ્કની સુધી પહોંચ્યા કઈ રીતે? અને તે પણ આટલી ઝડપથી ? પોલીસ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે પોલીસને લાગી રહ્યું છે કે આ સુનિયોજિત કાવતરું છે. આ જ કારણ છે કે પથ્થરબાજી બાદ પોલીસે તમામ સ્થળની વીડિયોગ્રાફી પણ કરાવી છે.
પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ આ હિંસક પ્રવૃત્તિ મામલે 200 વધુ લોકોની શોધખોળ કરી રહી છે. આ તમામ લોકો પોલીસના વીડિયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમની ઓળખ કરવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ પણ કરી રહી છે. સીસીટીવી કેમેરામાં દેખાતા આ તમામ લોકોની ઓળખ માટે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી છે, જે સતત સીસીટીવી ફૂટેજમાંથી આ આરોપીઓની શોધખોળ અને ઓળખાણમાં લાગી છે.
23 આરોપીમાંથી 12 જેટલા આરોપીઓ એવા છે, જેમની સઘન પૂછપરછ પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન અનેક પ્રશ્નો તેમને પૂછવામાં આવી રહ્યા છે. પોલીસ માની રહી છે કે તેમના દ્વારા મેસેજ વાઈરલ કરાતા મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હશે, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
હિંસક પ્રવૃત્તિમાં સામેલ લોકોના હાથમાં પથ્થર સિવાય લાકડાં પણ હતાં, પોલીસે આ લાકડાં પણ કબજે કર્યાં છે. હિંસાની રાત્રે હાથમાં તલવાર જેવી વસ્તુ લઈને ફરી રહેલા વ્યક્તિ અંગે પણ અલગથી ટીમ બનાવીને પોલીસ તપાસ કરી રહી છે. આ વ્યક્તિ કોણ છે અને તેની હાથમાં શું છે તે અંગેની તપાસ માટે બે પોલીસ કર્મીઓની એક ટીમ બનાવવામાં આવી છે.
23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરી છે અને હજુ પણ પોલીસ જાણવા માંગે છે કે અન્ય કયા લોકો આ કૃત્યમાં સામેલ હતા. જ્યારે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવશે, ત્યારે પોલીસ આ મુદ્દાઓ ના આધારે મળેલી જાણકારીથી વધુ તપાસ કરવા માટે કોર્ટ સમક્ષ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરશે. જોતજોતામાં 200થી 300નું ટોળું ભેગું કઈ રીતે થયું તે તપાસનો મુદ્દો છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજીસ અને અફવાઓ પણ કારણભૂત હોઇ સુરતને સળગાવાના ઇરાદે કોઈએ તરકટ ચાલુ કર્યું હતું કે કેમ તેને લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
લાલગેટ પોલીસ મથક વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર વરિયાવી બજારમાં થયેલા ગણપતિ પર પથ્થરમારો અને સૈયદપુરા પોલીસ ચોકીની બહાર પોલીસ તથા ભીડ પર થયેલા પથ્થરમારાની ઘટનાની તપાસને ધ્યાનમાં રાખી લાલગેટ પોલીસ મથકમાં વધારાના પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર કે.વી. પટેલની લાલગેટ પોલીસ મથકમાં સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી હુલ્લડની તપાસ સોંપવામાં આવી છે.
ભૂતકાળમાં પણ આવી જ ઘટના બનવાના કારણે હવે સુરત પોલીસ પણ એલર્ટ થઈ છે. સુરત પોલીસ છેલ્લાં ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં નવા આવેલા લોકો અંગે માહિતી પણ મેળવશે. આ માટે સ્થાનિક લોકોની પોલીસ મદદ પણ લેશે અને ટૂંક સમયમાં મિટિંગ પણ યોજાશે, તેવી માહિતી સુરતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
ગણેશ વિસર્જન સમયે પણ કોઈ અઘટિત ઘટના બની શકે છે, તે શંકા સુરત પોલીસને છે, જેથી પોલીસ હાઈ એલર્ટ પર છે. ખાસ કરીને કોટ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે. અહીં પાંચ પોલીસ મથક સમાવિષ્ટ થાય છે. ગણેશ ઉત્સવ અને ઈદના પર્વને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, આ માટે પોલીસે અસામાજિક તત્ત્વોનું લિસ્ટ પણ બનાવી લીધું છે. ટૂંક સમયમાં પોલીસ પોતાની રીતે આ તમામ લોકો પર વોચ રાખી કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે તકેદારી લેશે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ વિસ્તારમાં જે કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમનું લિસ્ટ પોલીસ દ્વારા બનાવવામાં આવ્યું છે. આવનાર ગણેશ વિસર્જન અને ઈદના પર્વને ધ્યાનમાં રાખી તેમની ઉપર વોચ રાખવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારની અઇચ્છનીય ઘટના ન બને. સાથે જ્યાં પણ પથ્થરમારાની ઘટના બની છે, ત્યાં ઘટના બાદ વીડિયો રેકોર્ડિંગ પણ કરાવવામાં આવ્યાં છે, જેથી ત્યાંની સ્થિતિ અંગે તમામ પુરાવા એકત્ર કરી શકાય.