રિપોર્ટ@ગુજરાત: સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે પાણી ફરી વળતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં
પાણી નદીમાં છોડાઈ રહ્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક ડ્રોન નજારો જોવા મળ્યો છે. અતિ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ છે ત્યારે એકતા નગર હીલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે ધીમીધારે વરસાદી માહોલ બનતાં મનમોહક વાતાવરણ જોઈને પ્રવાસીઓ ઝૂમી ઊઠ્યા છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.