રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાતે

રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
 
રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતની મુલાકાતે આવેલ છે.  રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપશે. બપોરે રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 તારીખ ને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું હતું. આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.

આજ સવારથી જ સુરત શહેરના સામાજિક આગેવાનો તેમને મળવા પહોંચ્યા છે. પદ્મશ્રી મથુર સવાણી, કોમન સિવિલ કોડના સભ્ય ગીતા શ્રોફ સહિતના આગેવાનો અમિત શાહને મળવા પહોંચ્યા હતા. સાથે જ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી પણ તેમણે મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અમિત શાહ થોડીવારમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં જશે.