રિપોર્ટ@ગુજરાત: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ

આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતા ઠંડીનો માહોલ છવાયો છે. વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે અને વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. હાલમાં વલસાડ, સુરત, નવસારી, ભાવનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકામાં માવઠું વરસ્યું છે. તો છેલ્લા 6થી 7દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં ડાંગર, મગફળી, કપાસ સહિતના તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.