રિપોર્ટ@ગાંધીનગર: આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે એ પહેલાં પોલીસે અટકાયત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કેટલાક સમયથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવી નથી, જેના કારણે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં તેમની પડતર માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી ગઈકાલથી માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણાં - વિરોધપ્રદર્શન અર્થે એકઠા થયા હતા, જોકે આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે એ પહેલાં જ પોલીસે તેમની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. વ્યાયામ શિક્ષકોએ સરકારવિરોધી સૂત્રોચારો કર્યા હતા. પોતાની માગ સાથે અડગ રહેલા શિક્ષકોએ ધરણાં પ્રદર્શન કરી વિધાનસભા તરફ વિરોધ કરવા પહોંચી રહ્યા હતા, જોકે એ વખતે જ પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું, જેથી પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને વીણીવીણીને ઉઠાવ્યા હતા. અનેક આંદોલનકારીઓને પોલીસ ઢસડીને લઈ ગઈ હતી.
વ્યાયામ શિક્ષકોએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ. રાજ્યની તમામ શાળાઓમાં બાળકોનો સુચારુ, સર્વાંગી વિકાસ થાય અને રમતગમતમાં ગુજરાતનું બાળક ખીલે તેનો વિકાસ થાય, શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિમણૂક થાય અને તેમને રોજગાર પ્રાપ્ત થાય એ હેતુથી સરકાર ખેલ સહાયક યોજના અમલમાં લાવી છે, જોકે આ યોજના અમને મંજૂર નથી, કેમ કે આ યોજના ગુજરાત રાજ્યની તમામ શાળાઓનાં બાળકોનાં કે વ્યાયામ શિક્ષકોનાં હિતમાં નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાયામ શિક્ષકે શરૂઆત કરી હોય, તેને રમતના નિયમો શિખવાડવામાં આવી રહ્યા હોય, બાળક એક કક્ષાએ રમતમાં ભાગ લઈને આગળ વધી રહ્યું હોય ને બીજી કક્ષાએ પહોંચે એ પહેલાં તો વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવાય છે. આ યોજનાથી તેમનું અન્યાય-શોષણ થઈ રહ્યું છે. આ યોજનામાં શાળાનાં બાળકો તથા વ્યાયામ શિક્ષકોનું હિત નથી.
વધુમાં શિક્ષકોએ ઉમેર્યું કે 11 માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં તમામ ખેલ સહાયક માટે રજા માટેના કોઈ એકસરખા નિયમ નથી. રાજ્યમાં ખેલ સહાયકના 11 માસ વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય છે એ બાબતનો ખુલાસો નથી. ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈપણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામા આવે છે. કોઈપણ અધિકારી પાસે CRC, BRC, TPEO, DPEO સહિતની માહિતી નથી.
ફેબ્રુઆરી માસમાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર થાય છે, અમુક જિલ્લાઓમાં પગાર જ નથી થતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી. રિન્યૂની પ્રોસેસ ચાલુ કરી દીધી છે એ પણ આખી નવેસરથી જેની કોઈ જરૂર જ નથી. આ મુદ્દે અનેક વખત આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષમાં 8 મહિનાની જ નોકરી અને 4 મહિના ઘરે બેસવું પડે છે. અમો સૌ માનસિક, શારીરિક અને આર્થિક રીતે ખૂબ જ હેરાન થયા છે અને હાલમાં પણ બેરોજગારની માફક 2 મહિનાથી ઘરે બેસી રહ્યા છીએ, આ બાબતોને કારણે અમે ઉપર માનસિક, શારીરિક અને આર્થિક તો ઠીક પણ સામાજિક રીતે પણ આનો ભોગ બની રહ્યા છીએ, જેના કારણે કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વર ભરતી કરવાની અમારી માગ છે. પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી પરીક્ષા લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.