રીપોર્ટ@વડોદરા: પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

આ ઘટનામાં પતિનું મોત થયું છે, તેની પત્ની ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
 
રીપોર્ટ@વડોદરા: પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પતિનું મોત થયું છે, તેની પત્ની ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સંત કંવર કોલોનીમાં રહેતાં જયોત્સનાબેન ઉર્ફે જ્યોતિ વાઘારામ સરગરા (મારવાડી), (ઉં.વ.40)એ વરસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ વાઘારામ મોહનલાલ સરગરા (મારવાડી) એ આજે સવારના આશરે 3.45 વાગ્યે મળી પાસે દારૂ પીવાના 20 રૂપિયા માગ્યા હતા, પરંતુ મેં 20 રૂપિયા આપ્યા નહોતા, જેથી મારા પતિ પોતાની જાતે કાપડની થેલીમાં મૂકેલા રૂપિયામાંથી 20 રૂપિયા લઈ ગયા હતા

મારા પતિ દારૂ પીને આવ્યા બાદ મને જણાવ્યું હતું કે, આજે મારે મરી જવું છે, તેમ કહેતા મેં આવું કરવાની ના પાડી હતી, જેથી મારા પતિએ મને કહ્યું હતું કે, તને પહેલાં મારીશ, પછી હું મરી જઈશ, તેવી ધમકી આપી હતી અને મને શાકભાજી સમારવાના ચપ્પા વડે ગળાના ભાગે ઘા માર્યો હતો અને પોતે ખાટલાની નાયલોન પટ્ટીથી પંખા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મને ગળાના ભાગે વાગ્યું હોવા છતાં હિંમત કરીને મેં મારા પતિના ગળામાંથી ચપ્પુ વડે નાયલોનની પટ્ટી કાપી નાંખી હતી, જોકે, તેમનું મોત થઈ ગયુ હતું. જેથી મેં મારા મામા દીપક મારવાડીને ફોન કર્યો હતો, જેથી તેઓ તુરંત જ આવી ગયા હતા અને મને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

ઘટનાની જાણ થતાં વારસિયા પોલીસ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત પત્નીને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. વારસિયા પોલીસે મૃતક આરોપી પતિ વાઘારામ મોહનલાલ સરગરા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.

વસાવાએ જણાવ્યું હતું કે, પતિએ પત્ની પર હુમલો કરીને પોતે આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પત્નીને ગળાના ભાગે સામાન્ય ઇજા થઇ છે. તે સયાજી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સારી છે. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.