રિપોર્ટ@જામનગર: એક જ પરિવારના 3 સભ્યોની અર્થીઓ ઉઠતાં ગામ હીબકે ચઢ્યું

ટ્રકે રિક્ષાને કચડતાં પતિ-પત્ની-બહેનનાં મોત થયા હતા, જેમની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી..
 
રિપોર્ટ@જામનગર: અકેજ પરિવારના 3 સભ્યોની અર્થીઓ ઉઠતાં ગામ હીબકે ચઢ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જામનગર અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નમાં જઇ રહ્યો હતો ત્યારે 25મી ફેબ્રુઆરીએ નેશનલ હાઇવે 47 પર રાજકોટના માલિયાસણ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં બે પરિવારના 6 સભ્યનાં મોત થયાં હતાં. રિક્ષાચાલક એવા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં શોકની લહેર ફરી વળી છે. એમાં રિક્ષાચાલક, તેની પત્ની અને બહેનનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. આજે 26મી ફેબ્રુઆરીએ ગુલાબનગર વિસ્તારમાં એકસાથે ત્રણ અર્થી ઊઠતાં શોકનો માહોલ છવાયો છે.

નેશનલ હાઇવે 47 પરના દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ અને 29 વર્ષીય શીતલબેન યુવરાજ નકુમનો સમાવેશ થાય છે. ગુલાબનગર વિસ્તારમાં એકસાથે ત્રણ અર્થી નીકળતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવારજનો પર દુઃખનાં વાદળો છવાઈ ગયાં છે. સમગ્ર વિસ્તારમાં હૈયાફાટ રુદનનાં દૃશ્યો સર્જાયાં છે.

જામનગર રહેતા રિક્ષાચાલક યુવરાજ નકુમ મંગળવારે સવારે પોતાની રિક્ષામાં પત્ની શીતલ અને બહેન ભૂમિ નકુમને બેસાડી રાજકોટના નવાગામ રહેતા તેના ફોઇ શારદાબેન જીણાભાઇ નકુમના ઘરે આવ્યા હતા. ત્યાંથી શારદાબેન તથા નવાગામમાં જ રહેતા સંબંધી આનંદ વિક્રમભાઇ સોલંકી, નંદિની સાગરભાઇ સોલંકી તથા તેની પુત્રી વેદાંશી (આઠ માસ)ને રિક્ષામાં બેસાડ્યાં હતાં. ત્યાર બાદ બંને પરિવારના સાત સભ્ય ચોટીલા લગ્નમાં જવા નીકળ્યા હતા.