રિપોર્ટ@જૂનાગઢ: તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી વ્યાપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ જિલ્લામાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળના કામનાથ રોડ પર આવેલી ચૂનાભટ્ટી તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકના લોકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે. તળાવના પાણીમાં એક લાશ તરતી હોવાની માહિતી વાયુવેગે પ્રસરતા જ આસપાસના સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
માંગરોળ શહેર પ્રમુખ લીનેશ સોમૈયા અને જિલ્લા પંચાયતના સદસ્ય ફારૂક હકીમ આગેવાનો સાથે માટે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે વાકેફ કરીને જાણ કરવામાં આવી હતી, જેથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસ સ્ટેશનનો કાફલો પણ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફાયર ફાઇટર્સની ટીમની મદદ લઈને તળાવના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, તળાવમાંથી મળી આવેલો આ પુરુષનો મૃતદેહ સંપૂર્ણપણે નગ્ન હાલતમાં મળી આવ્યો હોવાથી આ મામલો વધુ શંકાસ્પદ, ગંભીર અને રહસ્યમય બન્યો છે.
આ મૃતક પુરુષની ઓળખ થઈ શકી નથી, તેમજ તેનું મોત કયા સંજોગોમાં અને કયા સમયે થયું છે તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ કોઈ અકસ્માતને કારણે બનેલી ઘટના છે, વ્યક્તિએ આત્મહત્યા કરી છે કે પછી તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું કે હત્યા છુપાયેલી છે, તે તમામ સંભવિત દિશાઓમાં પોલીસે પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માંગરોળ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરીને મૃતકની સાચી ઓળખ મેળવવા અને આ શંકાસ્પદ મોતના અસલી કારણો શોધવા માટે આગળની કાયદેસરની વધુ તપાસ શરૂ કરી દીધી છે.

