રિપોર્ટ@જુનાગઢ: પરિણીતા પર પતિએ જીવલેણ હુમલો કર્યો, છરીના 8 ઘા માર્યા, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે અડધી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. છેલ્લા 4 મહિનાથી પોતાના પિયરમાં રિસામણે રહેલી 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેના જ પતિ નીતિન ધનજી પરમારે જીવલેણ હુમલો કર્યો હતો. છૂટાછેડાની ખેંચતાણ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખમાં અંધારી રાત્રે દિવાલ કૂદીને આવેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ આરોપીએ છરીના ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતાં.
જયશ્રીબેનના આક્ષેપ મુજબ આરોપી નીતિન હુમલો કર્યા બાદ કબાટમાંથી 30,000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયો હતો. પત્નીને પેટ અને અન્ય ભાગે 7થી 8 જેટલા છરીના ઘા વાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાઈ છે. હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પત્ની જયશ્રીબેન છેલ્લા કેટલાક સમયથી તેમના બાળકો સાથે પિતાના ઘરે રહેતા હતાં. 19મી એપ્રિલની મધ્યરાત્રીએ જ્યારે આખો પરિવાર નિદ્રામાં હતો, ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ આરોપી નીતિન પરમાર વંડી ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. કબાટ પાસે અવાજ થતા જયશ્રીબેન જાગી ગયા હતા અને તે સમયે નીતિને કહ્યું 'આજે તો તને પતાવી જ દેવી છે' અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ પત્નીના સાથળના ભાગે અને હાથની આંગળીઓમાં અનેક ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
પુત્રીની ચીસાચીસ સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા અને પિતા તરત જ રૂમમાં દોડી આવ્યા હતાં. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેને બચાવવા પિતા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા નીતિને સસરા જીવણભાઈની ડાબી સાથળમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતાં. આટલેથી ન અટકતા તેણે સાસુ શારદાબેન પર પણ છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરીથી દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. આ હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
જયશ્રીબેને જણાવ્યું હતું કે, તેમના લગ્નજીવનમાં છેલ્લા 1 વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. અગાઉ સમાધાન બાદ તેઓ સાસરે ગયા હતા, પરંતુ પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેમને સિવિલ હોસ્પિટલની નોકરી પણ છોડવી પડી હતી. આર્થિક તંગી અને દેવાના કારણે પતિ સતત ઝઘડા કરતો હતો.
ઘટનાના દિવસે પતિ નશાની હાલતમાં બાળકોને લઈ જવાની જીદ કરતો હતો અને જયશ્રીબેને ના પાડતા તેને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે નીતિનને ધમકાવ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને તેણે રાત્રે આ ખૂની ખેલ ખેલ્યો હતો. જ્યારે હુમલો કરનાર પતિ ભાગવા જતા તેના પગમાં ઈજા થઈ હતી અને જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે .
ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરતા આક્ષેપ કર્યો છે કે, આરોપી અત્યારે ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
વંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં BNS કલમ 109(1) મુજબ હત્યાનો પ્રયાસ, કલમ 118(1) હેઠળ ખતરનાક હથિયારથી ઇજા પહોંચાડવી, કલમ 331(6) મુજબ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરવો, કલમ 351(3) હેઠળ ગુનાહિત ધમકી આપવી તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પંથકમાં આ અરેરાટીભરી ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

