રિપોર્ટ@જૂનાગઢ: ઓઝત નદીના પુલ નીચેથી યુવકની તરતી લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી

હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર ઉમટી પડ્યા હતાં.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢ જિલ્લાના વંથલી-સોમનાથ હાઈવે પર આવેલી ઓઝત નદીના પટમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નદીના પાણીમાં યુવકની લાશ તરતી હોવાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર ઉમટી પડ્યા હતાં. મૃતક યુવક જૂનાગઢનો કેયુર વાજા હોવાનું આવ્યું સામે છે.

ઓઝત નદીના પુલ નીચે પાણીમાં એક યુવકનો મૃતદેહ ગરકાવ થયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગેની જાણ વંથલી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની સૂચના મુજબ સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતાં, જેમણે ભારે જહેમત બાદ મૃતદેહને નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢી કાંઠે લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

ઓઝત નદીના પુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જવાથી સોમનાથ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વંથલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે તાત્કાલિક ટ્રાફિક ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી. પોલીસે લોકોને પુલ પર ભીડ ન કરવા અપીલ કરી હતી.

મૃતક યુવક જૂનાગઢનો કેયુર વાજા હોવાનું આવ્યું સામે છે. તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણની વાસ્તવિકતા સામે આવશે.