રિપોર્ટ@જૂનાગઢ: એકસાથે 4000 આહીરાણીઓએ મહારાસ કર્યો, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ ખાતે આહીર યુવા મંચ દ્વારા આયોજિત રાસોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આ યુવા મંચ દ્વારા કોરોનાકાળના એક વર્ષ સિવાય સતત 17 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પાંચમાં નોરતાની રાત્રે એક સાથે 8000થી વધુ આહિર ભાઈ-બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી, જે થોડા સમય પહેલા દ્વારકામાં યોજાયેલા મહારાસની યાદોને તાજી કરનારી બની રહી હતી.
4000થી વધુ આહીરાણીઓનો પરંપરાગત મહારાસ. આ આહીરાણીઓએ કરોડો રૂપિયાના સોનાના પરંપરાગત ઘરેણાં ધારણ કરીને પ્રાચીન ગરબે ઘૂમી હતી. આહીરાણીઓએ માથાથી લઈને પગ સુધીના પારંપરિક ઘરેણાં પહેરીને ગરબે ઘૂમતા જાણે સંસ્કૃતિનો જીવંત વૈભવ પ્રગટ થતો હતો.
આહીર સમાજની પરંપરાને જીવંત રાખવા માટે, નવરાત્રિ દરમિયાન બે દિવસ માટે ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવે છે. જેમાં ભાઈઓ ચોરણી અને પહેરણ તથા બહેનો કાપડું, ઓઢણી અને સોનાના ઘરેણાં પહેરીને રાસમાં ભાગ લે છે.