રિપોર્ટ@જૂનાગઢ: યુવા ખેડૂતે આર્થિક સંકડામણથી જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ જિલ્લામાથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જૂનાગઢના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ગમગીની અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મૃતક શૈલેષ દેવજીભાઈ સાવલીયા તેમની પત્ની 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી સાથે રહેતાં હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જેટલી જમીન હતી, જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી. તેને ચાલુ વર્ષે પોતાની આ જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કાપણીના સમયે જ કમોસમી વરસાદ તૂટી પડતા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. શૈલેષ સાવલિયાએ વાવેલા ત્રણેય પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું હતું.
પાક નિષ્ફળ જવાથી શૈલેષ સાવલિયા ગંભીર આર્થિક સંકળામણમાં ઘેરાઈ ગયા હતા. પરિવારનું ભરણપોષણ અને દેવું ચૂકવવાની ચિંતાના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
આ અંગે મૃતક શૈલેષભાઈનાભાઈ પ્રફુલભાઈ દેવજીભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈએ આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. તે તેમની પત્ની અને સંતાનો સાથે રહેતા હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જમીન હતી અને તે ખેતી કામ કરતા હતાં. નિરાશા અને હતાશાથી શૈલેષભાઈએ ખેતરમાં જઈને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું.
ખેડૂતના આત્મઘાતી પગલાની માહિતી મળતા જ વિસાવદર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે મૃતક શૈલેષભાઈના ભાઈ પ્રફુલભાઈએ જણાવ્યા મુજબ શૈલેષભાઈ આર્થિક સંકળામણના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા આત્મહત્યા કર્યાનું પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ સાવલિયાના આત્મહત્યાના પગલાથી આખા પંથકમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

