રિપોર્ટ@ખેડા: આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા માગવાના આક્ષેપથી ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા લેવાતા હોવાનો સનસનાટી ભર્યા આક્ષેપ થયા છે. આ આરોપ ખુદ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે
વાત એમ છે કે, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં માતર તાલુકાના પાલ્લા ગામના ચીફ હેલ્થ ઓફિસર તેજસ પટેલે એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને હેરાન કરવા ખોટી રીતે બદલી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં અને આરોગ્ય વિભાગમાં મોટો વિવાદ ઊભો થયો હતો.
વાયરલ થયેલા વિડિયોમાં તેજસ પટેલે આક્ષેપ કર્યો છે કે પાલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી બે મહિલા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસરની નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ મોટા પાયે આર્થિક વહેવાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડિયોમાં જણાવાયું છે કે તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી 30 થી 50 હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી રહી છે.
તેજસ પટેલે આ વિડિયોમાં વધુમાં એવો પણ દાવો કર્યો છે કે રૂપિયા લીધા હોવાના પુરાવા રૂપે તેમની પાસે 18 જેટલા અલગ-અલગ વિડિયો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ટૂંક સમયમાં આ તમામ વિડિયો જાહેર કરશે. જોકે, આ રૂપિયા કયા કામ માટે લેવાયા કે આપવામાં આવ્યા તેની સ્પષ્ટ પુષ્ટિ વિડિયોમાં કરવામાં આવી નથી, પરંતુ જો આ પુરાવા જાહેર થાય તો ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં મોટી મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.
પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેજસ પટેલ બાદ હવે વધુ એક મહિલા નર્સનો વિડિઓ વાયરલ થયો છે જે વીડિયોમાં ખેડા જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સ્પષ્ટ કહી રહ્યા છે... બદલીઓ રોકાવા માટે રૂપિયા 30 હજાર થી લઈ 50 હજાર વહીવટ કરવા પડે છે. મેં અને હિતેષભાઈએ બદલી રોકાવા હિતેશ 30-30 હજાર રૂપિયા આપ્યા હતા. કેમ કે, મને કહ્યું હતું કે ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરપાસે જશો તો 50,000 થશે.. અત્યારે આપશો તો 30,000 માં પતી જશે એટલે મેં 30,000 આપી દીધા તેમણે આગળ કહ્યું, 'મેં હાજરી રજીસ્ટરમાં સહી નથી કરી એટલે 'તમે ગેરહાજર છો કહી અમારી બદલી કરી નાખી હતી, બીજા એક વંદના બેનનો ગળતેશ્વર ઓર્ડર નીકળ્યો હતો, એમના રૂ. 50 હજાર લીધા હતા, એમણે ત્યાં હાજર નોહતું થવું પડ્યું'
આમ, અનેક કર્મચારીઓએ બદલી રોકાવા માટે નાણાંકીય વહીવટ કર્યો હોવાનું નર્સ ની વાતો માં સ્પષ્ટ થઈ રહ્યું છે.
ખેડા જિલ્લાના એક આરોગ્ય કર્મચારી વીડિયોમાં બોલી રહ્યા છે કે 'ઓર્ડર નીકળી ગયો તો એટલે એના 50 હજાર લીધા અને મારો ઓર્ડર નહોતો નીકળ્યો એટલે મારે 30,000 આપવા પડ્યા. મેતો ડાયરેક્ટ વાયા વાયા મોકલાવી દીધા, મારા જોડે આયો કે જો તમારે આ રીતના નોટિસને એવું આવ્યું છે વંદનાબેનની બદલી થઈ ગઈ છે તમારી થવાની છે તો તમારે જો રોકાવી હોય, CDHO પાસે નામ જશે તો 50,000 થશે વચ્ચેથી રોકાવી હશે તો 30,000 થશે તો મેં 30,000 આપી દીધા. CHO હતાને હિતેશભાઈ એમણે પણ 30,000 આપ્યા અને મેં પણ ૩૦ હજાર રૂપિયા આપ્યા.
અમારા બંનેની સરખી જ સહીઓ હોવાથી, ઉપરથી એવું કીધું કે તમે આવ્યા જ નથી એટલે તમારી બદલી કરી નાખીએ. વંદનાબેનને બદલી ઓર્ડર આઈ ગયો હતો પણ તેઓ ત્યાં હાજર થયા ન હતા તેમણે પૈસા આપી દીધા હતા. જે ઓર્ડર કાઢે છે એમણે ડાયરેક્ટ ગમે એને ફોન કર્યો હશે. એટલે તેમને પહેલા ખબર પડી ગઈ હશે એટલે એમણે ડાયરેક્ટ કહી દીધું હા તમારો પૈસા આપીને પતાવી દઈશું. મેં તો CHO હિતેશ ભાઈને આપ્યા હતા.
બીજી તરફ આ વાયરલ વિડિયોને જોતા તેજસ પટેલ નશાની હાલતમાં હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. આ બાબતે લોકોમાં અલગ-અલગ તર્કવિતર્ક થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના જ એક જવાબદાર કર્મચારી દ્વારા પોતાના જ વિભાગના ઉચ્ચ અધિકારી સામે આ રીતે જાહેરમાં આવીને આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે.
આ સમગ્ર ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ.ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપતા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે કર્મચારીઓને કામ કરવાનું કહેવામાં આવે અને તેઓ કામ ન કરે અથવા તેમની કામગીરી નબળી જણાય ત્યારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની બદલી કરવામાં આવતી હોય છે. આવી બદલીઓથી નારાજ થઈને કર્મચારીઓ દ્વારા આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે નાણાંની લેતીદેતીની જે વાત કરવામાં આવી રહી છે તેમાં કોઈ તથ્ય નથી. તેમણે આ બાબતને સદંતર નકારી કાઢી છે અને જણાવ્યું છે કે વિભાગની છબી ખરડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

