રિપોર્ટ@ગુજરાત: SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો, જાણો સમગ્ર બનાવ

મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આજે સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જિ.પ્રા.શિક્ષક સંઘના અધ્યક્ષ વિનોદ બારડે જણાવ્યું હતું કે, SIRની કામગીરીના મહત્તમ ભારણના કારણે કોડીનારની છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ દેવળી ગામના વતની હતા. આખા કોડીનારમાં તેમની ખૂબ સારા શિક્ષક તરીકેની છાપ હતી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છારા ગામમાં ફરજ બજાવતા BLO શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. SIRની કામગીરીના દબાણથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી એક શિક્ષકે આત્મહત્યા કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકના આત્મહત્યાની ઘટનાને દુઃખદ ગણવામાં આવી છે. જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં અને મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે, SIRની કામગીરીને લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગીર સોમનાથના શિક્ષકની સુસાઈડ નોટ વાંચતા સમજી શકીએ કે, શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે. શૈક્ષણિક સંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે. જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી અમારી માગ છે. તેમજ મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું કે, અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે નોડેલ અધિકારી નીમવામાં આવે તેવી અમારી માગ છે. સંગઠનની માંગણી છતાં કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી જેથી અમે વિરોધ કરીએ છીએ. BLOની કામગીરી કરતાં શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહ્વાન કરવામાં આવે છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સોમનાથ જિલ્લાના જે શિક્ષકે આત્મહત્યા કરી છે. એ ઘટનાને લઇ અમે સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે. આજે શિક્ષકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે છતાં તેઓને ત્રાસ આપવામાં આવે છે. મોડીરાત્રે બહેનોને બોલાવવામાં આવે છે. રાજ્યના 2 લાખ શિક્ષક આ મુસિબતોનો સામનો કરી રહ્યા છે. તમામ શિક્ષકો આજે એક દિવસ માટે મોબાઇલ કામગીરીનો બહિષ્કાર કરશે. કોઇ શિક્ષકે ડરવાની જરૂર નથી. બે લાખ શિક્ષકો તમારી સાથે છે, માટે મારી વિનંતી છે કે, કોઇ આવું પગલું ભરે નહીં. હું તમામ શિક્ષકોને આહવાન કરું છું કે, આપણે આજે આ ઓનલાઇન કામગીરીનો એક દિવસ માટે બહિષ્કાર કરીશું.