રીપોર્ટ@લીમખેડા: ડુંગરા ગામમાં મનરેગાનો ડુંગર જેવડો ભ્રષ્ટાચાર, કરોડોની કટકી કરી લીધી, ભાગ-1

. જાણીએ સમગ્ર અહેવાલ.
 
રીપોર્ટ@લીમખેડા: ડુંગરા ગામમાં મનરેગાનો ડુંગર જેવડો ભ્રષ્ટાચાર, કરોડોની કટકી કરી લીધી, ભાગ-1

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકાના આ ગામમાં મનરેગાનો ભ્રષ્ટાચાર ગામનાં નામ જેવો છે. કૌભાંડી ટોળકીએ મનરેગાના નિયમોની ઐસીતૈસી કરી સરકારનાં નાણાં બોગસ કાગળો આધારે અને કામ કર્યા વિના છેતરપિંડી આચરી રીતસર ગ્રાન્ટ આંચકી લીધી છે. મનરેગામાં રોજગારીની ધજ્જીયા ઉડાવી મટીરીયલના ખાલી બીલો મૂકી કરોડોની કટકી કરી લીધી છે. ઢગલાબંધ સ્ટોનબંધ કાગળ ઉપર બતાવી લાખોના મટીરીયલ બીલો મૂક્યા અને સામે અનસ્કીલ લેબર ખર્ચ 254થી સરેરાશ 1000 સુધી બતાવ્યું છે. આ બાબતે સૌથી મોટો ખુલાસો થાય છે કે, સદર કથિત કૌભાંડ વિશે ટીડીઓને વારંવાર જણાવવા છતાં તપાસને નામે મીંડું છે. જાણીએ સમગ્ર અહેવાલ.


દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ડુંગરા ગામમાં ડુંગળ જેવડો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મટીરીયલ એજન્સી, જીઆરરએસ, ટેકનિકલ અને સંલગ્ન મળતિયાઓ ભેગાં મળીને રોજગારીને બદલે મટીરીયલ કામો કરવા તનતોડ મહેનત કરી હતી. ગત નાણાંકીય વર્ષોમાં સરેરાશ 70થી વધુ સ્ટોનબંધ બનાવ્યા છે તેમાં અનેક કામો કાગળ ઉપર બતાવી મટીરીયલ અને લેબર ગ્રાન્ટ ખેંચી લીધી છે. ઈરાદાપૂર્વક મટીરીયલ કામો કરી માલસામાનના બીલો મૂક્યા ત્યારે હકીકતમાં સ્થળ ઉપર જોગવાઈ મુજબના કામો થયા છે કે કેમ તેની તકેદારી રાખી નથી. ડુંગરા ગામમાં ડુંગરની ઊંચાઇથી પણ મસમોટુ કૌભાંડ હોવાની રજૂઆત ટીડીઓ રાવતને કરવા છતાં તપાસ કરાવી નથી. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડુંગરા ગામમાં મનરેગાનો જે ભ્રષ્ટાચાર છે તે ઈરાદાપૂર્વક અને જાણીજોઈને કરેલી ગેરરીતિનો ઉત્તમ નમૂનો છે. જો ટીડીઓ સંપૂર્ણ પારદર્શક અને ધોરણસરની તપાસ કરાવે તો ડુંગરા ગામમાં મનરેગાનો ભ્રષ્ટાચાર સાબિત થાય તેમ છે. આટલુ જ નહિ, મનરેગાની જોગવાઈ મુજબ જવાબદારો વિરૂદ્ધ ફરીયાદ દાખલ થાય તેવી ગેરરીતિ છે. આ બાબતે ટીડીઓ રાવતને સમગ્ર વિષયમાં વિગતવાર ટેલિફોનિક રજૂઆત કરી તાત્કાલિક અસરથી તપાસ કરી કૌભાંડીઓ વિરૂદ્ધ દાખલો બેસાડવા જાણ કરવા છતાં વિવિધ બહાના બતાવી તપાસથી દૂરી રાખી છે. સ્થાનિક અરજદારે જણાવ્યું હતું કે, મનરેગામાં ટીડીઓની પણ જવાબદારી બનતી હોઈ ગાંધીનગર કમિશ્નર ખાતે ધોરણસરની ફાઇલ આધારે ફરીયાદ કરીશું.