રિપોર્ટ@કડી: કેનાલમાં પથ્થર બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી

પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહિલાને દોરડા વડે પથ્થર સાથે બાંધેલી હાલતમાં કેનાલમાં ફેંકી દેવાઈ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાથે ‘સુંદરું’ ત્રોફાવેલી 40 વર્ષીય અજાણી મહિલાની લાશ મળ્યાંની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી સાંજે કરણનગર વાય જંક્શન તરફથી ઉત્તર ગુજરાત તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ, જે કડી તાલુકાના રંગપુરડા અને નાની કડી ગામની સીમમાંથી પસાર થાય છે, ત્યાંથી પસાર થતા રાહદારીઓએ કેનાલના પાણીમાં એક લાશ તરતી જોઈ હતી. આ અંગે તુરંત જ કડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

કેનાલમાંથી બહાર કઢાયેલી લાશ આશરે 35થી 40 વર્ષની અજાણી મહિલાની હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મહિલાના હાથ પર ‘સુંદરૂ’ લખાણ કોતરેલું નજરે પડ્યું હતું. આ સિવાય મહિલાના શરીર સાથે પથ્થર બાંધીને તેને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી મહિલાની હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાની શક્યતા દર્શાઈ રહી છે.

કડી પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેના સગા-સંબંધીઓની શોધખોળ શરૂ કરી છે. આ મહિલા કોણ છે, ક્યાંની રહેવાસી છે અને તેનું મોત કઈ પરિસ્થિતિમાં થયું છે તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.