રિપોર્ટ@ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારા સભ્યસંગીતા પાટીલ આરતી મહોત્સવમાં જોડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રીના પવિત્ર તહેવાર હાલમાં ચાલી રહ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબાના આયોજનોમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત અને અનોખા થીમ્સ સાથે ઘૂમી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતા પાટીલ જેવા રાજકીય અગ્રણીઓ પણ આ મહોત્સવમાં જોડાયા છે, જ્યારે ઉમિયા ધામમાં 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત મહાઆરતીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો છે.
લિંબાયત વિસ્તારમાં આયોજિત ઝણકાર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. તેમણે મા અંબાની આરતી કરી અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ઉત્સાહ વધાર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, "આરતીમાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે." તેમ જ આઠમના શુભ અવસરે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાયા હતા. તેમણે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમી અને ભક્તિભાવ વ્યક્ત કર્યો. તેમની સાથે સુરતના ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જહાંગીરાબાદ વિસ્તારના ડાહીમાનગરમાં નવરાત્રીનો અનોખો માહોલ જામ્યો છે. અહીં 400 મીટર લાંબા રોડ પર એકસાથે 6 લાઈનમાં 4000 જેટલા લોકો દરરોજ ગરબે ઘૂમે છે. આ વિશાળ આયોજનના ડ્રોન શોટ્સ પણ વાયરલ થઈ રહ્યા છે, જે ગરબાની ભવ્યતા દર્શાવે છે. અભેટા, વેલુક, વાસવા, મલગામાં અને મીરજાપોર જેવા આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ખેલૈયાઓએ પૂરજોશમાં ગરબાની રમઝટ બોલાવી અને રાત્રે 1 વાગ્યે પણ તેમના ચહેરા પર આનંદ અને ઉત્સાહ વર્તાયો છે.
સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ટાવરના રહીશોએ આ વર્ષે ગરબામાં અનોખી થીમ અપનાવી છે. પરંપરાગત ગુજરાતી પોશાકને બદલે ખેલૈયાઓ સાઉથ ઇન્ડિયન ડ્રેસમાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા. આ નવીન અભિગમે ગરબાના માહોલને વધુ રસપ્રદ બનાવ્યો છે.
શહેરના પ્રતિષ્ઠિત સુરત ટેનિસ ક્લબ ખાતે પણ નવરાત્રીના પર્વે ગરબાનો અદભૂત માહોલ જામ્યો છે. ક્લબના સભ્યો અને તેમના પરિવારો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને માતાજીની આરાધના કરી રહ્યા છે. ક્લબનું વાતાવરણ રમતગમતથી ભક્તિ અને સાંસ્કૃતિક ઉત્સાહ તરફ વળ્યું છે.
વરાછા વિસ્તારમાં આવેલા મા ઉમિયા ધામ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના આઠમના અવસરે 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 25,000 થી વધુ દિવડાઓ વડે કરવામાં આવેલી આ મહાઆરતી ભારતીય સેનાના જવાનોને સમર્પિત છે. મહાઆરતી પહેલાં ગ્રાઉન્ડ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો, જ્યાં ભક્તો તિરંગા લઈને 'જય ભવાની' અને 'જય હિંદ'ના નારા લગાવી રહ્યા છે.
આયોજકોએ જણાવ્યું કે, "છેલ્લા 30 વર્ષથી અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાઆરતીનું આયોજન કર્યું છે." મંદિરને લાઇટોના શણગારથી અલૌકિક બનાવવામાં આવ્યું છે, જેના કારણે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સુરતીઓ ગરબાના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયા છે અને શહેરના દરેક ખૂણે ઊર્જા તથા ઉત્સાહનો માહોલ ચરમસીમાએ છે.