રિપોર્ટ@બારડોલી: ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બારડોલીમાથી આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની આ ઘટનામાં 10થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.
પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 15થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બારડોલી, કામરેજ, વ્યારા, પી.ઈ.પી.એલ. (PEPL), અને હોજીવાલા સહિતની વિવિધ સ્થળોની ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે. પ્લાસ્ટિકના કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી ગોડાઉન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

