રિપોર્ટ@મહેસાણા: વીજકરંટ લાગતાં 8 કામદાર ઢળી પડ્યા, 2નાં મોત 6 ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફેબ હિન્દ કંપનીમાં 14 સપ્ટેમ્બરે એક દુઃખદ ઘટના બની હતી. ક્રેન અચાનક ગતિમાં આવી અને ત્યાંથી પસાર થઈ રહેલા 11,000 વોલ્ટના વીજવાયરોને સ્પર્શી ગઈ હતી, જેથી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા 8 જેટલા કામદારને વીજકરંટ લાગ્યો હતો. જેના CCTV સામે આવ્યા છે. ઘટનામાં 22 કામદારનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ છે.
માહિતી અનુસાર, મહેસાણા - અમદાવાદ હાઈવે પર આવેલી મંડાલી નજીક રોડ મશીનરીનું ઉત્પાદન કરતી કંપની ફેબહિંદ ફેક્ટરીમાં રવિવારના રોજ બપોરે 4 વાગ્યાના અરસામાં કામદારો કંપનીમાં પડેલી ક્રેનને ચાલુ કરી રહ્યા હતા. ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગી અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલું બૂમ કંપનીમાં રહેલા વીજલાઇન સાથે અથડાતાં વીજલાઈનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો.
જે દરમિયાન 1100 વોલ્ટના વીજવાયરને સ્પર્શેલી ક્રેનને કામદારો ભેગા થઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન તેમને વીજકરંટ લાગ્યો હતો અને આઠ જેટલા કામદારો ત્યાં જ ઢળી પડ્યા હતા. એ બાદ ક્રેનને મહામહેનતે વીજકરંટથી દૂર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટનાના ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
એમાંથી ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે બાકીના 6 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ ઘટના સમાચાર મળતાં નિરમા આઉટપોસ્ટના ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ ચૌધરી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સિક્યોરિટી ગાર્ડ અમિત અને પિતા બાજુમાં રહેલી બીજી કંપનીમાં પણ સિક્યોરિટી તરીકે નોકરી કરતા હતા. આમ, પિતા અને પુત્ર કમાવા માટે મધ્યપ્રદેશથી અહીં આવ્યા હતા.