રિપોર્ટ@મહેસાણા: બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીને ટ્રકે કચડ્યાં, 2 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા શહેરના બહુચરાજીમાંથી અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીને ટ્રકે કચડ્યાં હતા.ચૈત્રી પૂનમના પાવન પર્વે માઁ બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં 2 માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોની અંતિમયાત્રામાં આખું ગામ ઉમટ્યું હતું.

આ અંગેની મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો 60 લોકોનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

ગંભીર રીતે ઘાયલ થયેલા ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર, મેહુલ જુહાજી ઠાકોર સહિતના સાત 7 પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.