રિપોર્ટ@મહેસાણા: ચાંદીપુરા વાયરસથી 4 વર્ષની બાળકીનુ મોત

બાળકીએ વડનગર સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા  ગામની ચાર વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાત્રે કરૂણ મોત નિપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ દેલવાડા ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.