રિપોર્ટ@મહેસાણા: વિસનગરમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિસનગરમાં રવિવારે રાત્રે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગટરો ચોકઅપ થતાં લોકોને હાલાકી પડી હતી, જોકે નગરસેવકના હસ્તક્ષેપથી તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી પાણીનો નિકાલ કરાયો હતો.
શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. મહેસાણા રોડ પર આવેલી અનુરાધા સોસાયટી આગળ પણ પાણી ભરાયા હતા.
પાણી ભરાવાની જાણ થતાં સ્થાનિક નગરસેવક દીપાબેન ધમેન્દ્રભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પાલિકાની ટીમને બોલાવી સફાઈ કામગીરી શરૂ કરાવી હતી.
પાલિકાની ટીમે ગટરોમાં ભરાયેલો કચરો સાફ કરતાં વરસાદી પાણીનો નિકાલ શરૂ થયો હતો. પાણીનું સ્તર ઘટતાં સ્થાનિકોને રાહત મળી હતી.
આ ઉપરાંત, મહેસાણા ચોકડી નજીક વધુ પાણી ભરાવાને કારણે લાકડા ભરેલી એક આઇશર ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રકનું પાછળનું ટાયર રસ્તાની બાજુમાં ધસી ગયું હતું.
વરસાદ બાદ શહેરમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાએ ડ્રેનેજ વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોએ નિયમિત ગટર સફાઈ અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે.

