રિપોર્ટ@મહેસાણા: ધોરણ 7માં અભ્યાસ કરતી કિશોરીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જીલ્લામાંથી હદય કંપાવતી આત્મહત્યાની ઘટના સામે આવી છે. મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાળ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ કરુણ ઘટના આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કિશોરીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

