રિપોર્ટ@મહેસાણા: પુત્ર-પુત્રવધૂને કેનેડા મોકલવાના સપના‎ બતાવી ખેડૂત સાથે રૂ.14 લાખની ઠગાઇ‎, જાણો સમગ્ર ઘટના

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિદેશમાં વસવાટના સપના જોતા પરિવારોને નિશાન બનાવી ઠગાઈ કરવાના બનાવો વચ્ચે વિજાપુર તાલુકાના ખરોડ ગામના એક ખેડૂત સાથે કેનેડા વર્ક પરમિટના નામે રૂ.14 લાખની છેતરપિંડી થઈ છે.

પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલાવવાનું વચન આપી ગાંધીનગરના ચંદ્રાલા ગામના શખ્સે રૂ.20 લાખ વસૂલ્યા, પરંતુ ત્રણ વર્ષ સુધી વિઝા ન અપાવી માત્ર રૂ.6 લાખ પરત કર્યા બાદ બાકીની રકમ ન આપતા આખરે લાડોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ખરોડ ગામના ખેડૂત જિતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પટેલે પરિચિત મારફતે ચંદ્રાલા ગામના ઋત્વિક સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે તેમના પુત્ર વિરાટ અને પુત્રવધૂ હનીબેનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનો વિશ્વાસ આપી સમગ્ર પ્રક્રિયા માટે રૂ.40 લાખ ખર્ચ થશેનું કહ્યું હતું.

15 જૂન, 2023થી 1 ઓગસ્ટ, 2026 દરમિયાન ખેડૂતે આરટીઝીએસ, ચેક અને રોકડ સહિત અલગ-અલગ હપ્તામાં રૂ.20 લાખ ચૂકવ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં વિઝા ન મળતાં રોજ નવા વાયદા કરતો હતો. તેણે રૂ.20 લાખમાંથી માત્ર રૂ.6 લાખ પરત કર્યા અને બાકીના રૂ.14 લાખ છ મહિનામાં પરત આપવાની ખાતરી આપી હતી.

દોઢ વર્ષથી વધુ સમય સુધી ક્યારે વિઝા આવશે તો ક્યારે રૂપિયા પરત મળશે તેવા બહાનાં બનાવ્યા હતા. બાદમાં ફરિયાદીના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. છેતરપિંડીની ખાતરી થતાં જિતેન્દ્રકુમાર પટેલે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઋત્વિક સુરેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.