રિપોર્ટ@મહેસાણા: યુવાને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું, કયા કારણે આવું પગલું ભર્યું ?

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેતન પટેલ નામના એક યુવાને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટુકાવી લીધું છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઇવે પરથી પસાર થઈ રહેલા જીજે 06 એઝેડ 1932 નંબરના ટ્રેલરની આગળ યુવાને અચાનક આવીને પડતું મૂક્યું હતું. જે યુવાન 20 ફૂટ ઢસડાતો દેખાઈ છે. ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ મામલે મૃતકના ભાઈ હરેશકુમાર પટેલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હરેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા કેતન પટેલના પરિવાર અંગે મળેલી વિગતો મુજબ તેઓ ખેતીકામની સાથે મુંબઈમાં તેમના સાળાની દુકાન પર નોકરી કરતા હતાં. ખેતીના કામકાજ અને એરંડા લેવા માટે તેઓ 15 દિવસ પહેલા જ પોતાના વતન પરત ફર્યા હતા.

કેતન પટેલના પરિવારમાં પત્ની ઉપરાંત 16 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જેઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. ઘરના મોભીના આકસ્મિક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.