રિપોર્ટ@મહેસાણા: 323 દિવ્યાંગોને રૂ.48 લાખથી વધુના આધુનિક સાધનો અપાયા, જાણો વધુ વિગતે

સામાજિક અધિકારિતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લાના વિસનગરમાં સામાજિક અધિકારિતા શિબિર યોજાઈ હતી. 323 દિવ્યાંગોને રૂ. 48 લાખથી વધુના સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. વિસનગર વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી ભવ્ય સામાજિક અધિકારિતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની એડીપ યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં વિસનગર તાલુકા અને શહેરના દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ વિવિધ આધુનિક સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને આશરે રૂ. 48 લાખથી વધુની કિંમતના સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ સાધનો દિવ્યાંગોના જીવનમાં આત્મવિશ્વાસ વધારશે અને તેમને સ્વાવલંબી જીવન જીવવા માટે મહત્વપૂર્ણ આધાર પૂરો પાડશે.

શિબિર દરમિયાન વિશેષ જરૂરિયાત ધરાવતા લાભાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ મોબાઇલ ફોન, સ્માર્ટ સ્ટિક, શ્રવણ મંદતા ધરાવતા લોકો માટે હિયરિંગ એઇડ, ટ્રાઇસાયકલ, મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ સહિત અન્ય ઉપયોગી સહાયક સાધનો આપવામાં આવ્યા હતા. આ સાધનો રોજિંદા જીવનને વધુ સરળ, સુરક્ષિત, સ્વનિર્ભર અને સન્માનજનક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાધનો પ્રાપ્ત કર્યા બાદ દિવ્યાંગ લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.

આ કાર્યક્રમનું આયોજન ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લા વહીવટી તંત્રનો સક્રિય સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા દિવ્યાંગજનોને સમાન અવસર અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાને પુનઃદોહરાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ક્ષમતા મુજબ સમાજમાં સક્રિય અને સશક્ત ભૂમિકા ભજવી શકે.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, એપીએમસી ચેરમેન જયંતિભાઈ, રાજુભાઈ પટેલ  સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.