રિપોર્ટ@મહેસાણા: કરોડોના ખર્ચે બનેલા નવા રોડમાં એક જ મહિનામાં ભૂવો પડ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા-મોઢેરા હાઈવે પર દેડિયાસણ ગામ પાસે ગોકુલધામ સોસાયટીની બિલકુલ સામે મુખ્ય રોડ પર વગર વરસાદે એક મસમોટો ભુવો પડી જતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.આશ્ચર્યની વાત એ છે કે, હજુ માંડ એક મહિના પહેલા જ કરોડો રૂપિયાના અધધ ખર્ચે આ નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, જે ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ધસી પડ્યો છે.
અત્યંત વ્યસ્ત ગણાતા આ મુખ્ય હાઈવે પર અચાનક ભુવો પડવાના કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. ભરચક ટ્રાફિકવાળા આ માર્ગ પર ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે એવી ભીતિ સેવાઈ રહી છે. વરસાદના એક ટીંપા વગર જ જો રોડની આવી દશા થઈ હોય, તો ચોમાસામાં આ રોડની શું હાલત થશે તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
માત્ર એક જ મહિનામાં આ નવોનકોર રોડ બેસી જતાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત તેમજ રોડ બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા કરવામાં આવતા 'પ્રીમિયમ કામગીરી'ના મોટા-મોટા દાવાઓ આ ભુવામાં ધોવાઈ ગયા છે.

