રિપોર્ટ@મહેસાણા: ગોગા મહારાજના મંદિરમાંથી ચાંદીની મૂર્તિ સહિત 1.92 લાખની ચોરી, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના ગોઠવા ગામની સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિરનું તાળું અને નકૂચો તોડી તસ્કરો ચાંદીની મૂર્તિ, છત્તર અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ રૂ.1.92 લાખની મત્તા ચોરી ગયા હતા. જેને લઇ ગામમાં હાહાકાર મચી ગયો હતો.
વિસનગર તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વિસનગરની હેરીટેજ સોસાયટીમાં રહેતા તુષારકુમાર કનુભાઈ પટેલના પરિવારનું ગોઠવા ગામે કામલપુર રોડ પર ભેજા તરીકે ઓળખાતા ખેતરમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં તેમના પરિવારજનો પૂજા-અર્ચના કરે છે.
ગત 17 જુલાઈના રોજ સવારે તુષારભાઇ મંદિરે દીવાબત્તી કરી મંદિર બંધ કરી ફેક્ટરીએ ગયા હતા. રાત્રે ત્રાટકેલા તસ્કરો મંદિરનો નકૂચો તોડી અંદરથી 600 ગ્રામની ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ, ચાંદીના 8 છત્તર, 11 ચાંદીના નાગ, 2 ચાંદીના ચરણપાદુકા અને દાનપેટીમાંથી રૂ. 5 હજારની રોકડ મળી રૂ.1.92 લાખની મત્તા ચોરી ગયા હતા.
બીજા દિવસે સવારે તુષારભાઇ દીવાબત્તી કરવા જતાં મંદિરનો દરવાજો ખુલ્લો અને દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં તેમજ અંદર રહેલી મૂર્તિ, છત્તર અને ચરણપાદુકા ગાયબ હતી. જેથી તુષારભાઇએ સોમવારે સાંજે વિસનગર તાલુકા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

