રિપોર્ટ@મહેસાણા: PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો, PI સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જીલ્લાના ના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગામ લોકો દ્વારા સાંથલ PI એમ.એમ.વરચંદને આમંત્રણ અપાતા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને 9 તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

