રિપોર્ટ@મોરબી: સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રવાપર ઘૂનડા રોડ પર સ્થિત 'કસોરા 11' એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503માં રહેતા સુનિલ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું હતું. 11મા માળેથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
તપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવમાં રહેતી હતી. આ ટેન્શનમાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

