રિપોર્ટ@મોરબી: કારખાનામાં મશીન માથાના ભાગે પડતા ભાગીદારનું માથું ધડથી અલગ, ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી શહેરના શનાળા રોડ પાસે આવેલ એક પેકેજીંગ યુનિટમાં રવિવારે સાંજના સમયે એક હદય કંપાવી ઊઠે એવી ભયાનક ઘટના સામે આવી હતી. કારખાનામાં મશીન માથાના ભાગે પડતા એક આધેડ વયના ભાગીદારનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શ્રીજી એસ્ટેટ અને મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના સનાળા રોડ પર આવેલી વૈભવનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ભાનુશંકર શીલુ શનાળા ગામ પાસેના શ્રીજી એસ્ટેટમાં 'શિવશંકર પેકેજીંગ' નામનું કારખાનું ભાગીદારીમાં ચલાવતા હતા.
સાંજના આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈ કારખાનામાં કામકાજમાં વ્યસ્ત હતા, તે દરમિયાન અચાનક એક ભારેખમ મશીન તેમના પર પડ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મશીન સીધું જ તેમના ડોકના ભાગે પડતા તેમનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. ગંભીર ઈજાઓના કારણે વિજયભાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
આ અકસ્માત માત્ર એક ઉદ્યોગપતિનો જીવ જ નથી લીધો, પરંતુ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. મૃતક વિજયભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મશીન કેવી રીતે પડ્યું અને આમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

