રિપોર્ટ@નડિયાદ: ભાજપ નેતા પર અચાનક જીવલેણ હુમલો કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તેમજ વોર્ડ નંબર-13ના જાણીતા સમાજસેવક પ્રકાશ પ્રેમજીભાઈ પરમાર પર આશરે 40 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર વ્યાપી ગઈ છે.
સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં નડિયાદ શહેર કિસાન મોર્ચાના ભાજપ મહામંત્રી પ્રકાશ પરમાર પર જૂની ચૂંટણીની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રકાશભાઈ સાંજના સમયે રામદેવપીર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે, તેમના જ વિસ્તારમાં રહેતા મીત રાઉલજીએ તેમને ફોન કરીને અથવા રૂબરૂ મળીને ડીમાર્ટ નજીક આવેલા શ્રીજી ફર્નિચર પાસે કામ હોવાનું કહી બોલાવ્યા હતા.
પ્રકાશભાઈ પોતાનું એક્ટિવા લઈને ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્યાં હાજર મીત રાઉલજી, વિશાલ ચાવડા, ચિરાગ ચાવડા, કેતુલ ઠાકોર, ગોપાલ ચાવડા, અજય ગોહેલ, ગોપાલ ઉર્ફે નીતિન પરમાર અને મહેન્દ્ર ચાવડા સહિત અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને ઘેરી લીધા હતા.
આ તમામ લોકોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચીને પ્રકાશભાઈને ‘તું બહુ મોટો દાદા થઈ ગયો છે, તે ચૂંટણીમાં અમને હરાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે’ તેમ કહીને બેરહેમીથી ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા.
આ હુમલા દરમિયાન આરોપી વિશાલ ચાવડાએ પોતાના હાથમાં રહેલો લાકડાનો ડંડો પ્રકાશભાઈના બરડાના ભાગે ઝીંકી દીધો હતો, જ્યારે નીતિન નામના શખસે તેમના પેટના ભાગે જોરદાર ફેટ મારી દીધી હતી. પ્રકાશભાઈએ બૂમાબૂમ કરતા જ તેમના મોટાભાઈ રાહુલભાઈ, પિતા અને અન્ય એક વ્યક્તિ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને વધુ માર ખાવામાંથી છોડાવ્યા હતા.
હુમલાખોરોએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, જો હવે પછી દાદાગીરી કે આગેવાની કરી છે તો તને જાનથી મારી નાખીશું. આ ઝપાઝપી અને મારામારીની ઘટના દરમિયાન પ્રકાશભાઈનો વિવો કંપનીનો મોબાઈલ ફોન તેમજ ખિસ્સામાં રહેલા 70,000 રૂપિયા ક્યાંક પડી ગયા હતા.
ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાધા સ્વામી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

