રિપોર્ટ@નવસારી: GIDCમાં આવેલી શ્રી રામ ફાઈબર શીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. નવસારી GIDCમાં આવેલી શ્રી રામ ફાઈબર શીટ બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાઈબર શીટ બનાવતી કંપની હોવાથી જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
આગની ગંભીરતાને જોતા નવસારી મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર ફાઈટરની 4 ગાડીઓ, 2 મોટા વોટર ટેન્કર અને 40 સભ્યોની ફાયર ટીમ તૈનાત કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. અંદાજે 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
આ દુર્ઘટનામાં કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો કાચો માલ અને તૈયાર ફાઈબર શીટનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. સદનસીબે, વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

