રિપોર્ટ@સુરત: શોરૂમમાં નવી નક્કોર થાર ભડભડ સળગી, જાણો સમગ્ર દુર્ઘટના

ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લેતાં જાનહાનિ ટળી

 
રિપોર્ટ@સુરત: શોરૂમમાં નવી નક્કોર થાર ભડભડ સળગી, જાણો સમગ્ર દુર્ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આજે બપોરે એક થાર કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આગને કારણે વર્કશોપમાં રહેલી એક કાર બળીને ખાક થઈ ગઈ હતી.

અડાજણ પાલ ગામ ગૌરવ પથ રોડ ખાતેના મહિન્દ્રા શોરૂમના સર્વિસ વર્કશોપમાં કોઈ અગમ્ય કારણસર પાર્ક કરેલી એક થાર કારમાં અચાનક આગ લાગી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વર્કશોપમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે આગ કાબૂમાં આવી ન હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ડેપ્યુટી ફાયર ઓફિસર એસ. ડી. ધોબીના જણાવ્યા અનુસાર, જો આગ અંદરના ભાગમાં વધુ પ્રસરી હોત તો મોટું નુકસાન થવાની સંભાવના હતી, કારણ કે દશેરાના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે બુક કરાયેલી મોટી સંખ્યામાં નવી કારો શોરૂમમાં પડી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાથી આ કારોને નુકસાન થતું બચાવી શકાયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે આગ વર્કશોપના અન્ય ભાગોમાં તેમજ શોરૂમમાં રહેલી અન્ય કારો સુધી પહોંચી શકી નહોતી અને મોટું નુકસાન થતું અટકાવ્યું હતું. હાલમાં આગ કયા કારણસર લાગી એ અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.